સુરત: ભટાર જમનાનગર બીઆરટીએસ રૂટની અંદરથી સરકારી વાહનોના અવર-જવર પર પ્રતિબંધ હોવા છતાં જીએસટીના એડિશનલ કમિશનર મોહન કુમાર મીના તેમના ડ્રાઈવર સાથે સરકારી ગાડી ( જીજે-05-જેસી-6772) લઈને ઘુસી ગયા હતા. ટોળા હોબાળો મચાવતા આખરે જીએસટીના અધિકારીએ ગાડી રિવર્સ લઈને રિટર્ન જવું પડયું હતું. 200 મીટર સુધી ગાડી અંદર ગયા બાદ બીઆરટીએસના કર્મચારીએ સ્વીંગ ગેટ ખોલ્યો ન હતો. જેના કારણે સરકારી ગાડીના ડ્રાઈવરે કર્મચારીને ગેટ ખોલવા દબાણ પણ કર્યું હતું.
જોકે સરકારી ગાડી બીઆરટીએસમાં ઘૂસી જવાને કારણે પાછળ આવેલી બસ 30 મિનિટ સુધી બસ સ્ટેન્ડ પાસે જ ઉભી રાખી દેવાની ફરજ પડી હતી. આ ઘટનામાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી. અલબત્ત, સમગ્ર ઘટના બાબતે જયારે ખટોદરા પોલીસમાં આ બાબતે પહેલાં કશું નોંધાયું ન હતું. ટ્રાફિક પોલીસ આમ તો સામાન્ય વ્યક્તિને છોડતી નથી. બીજી તરફ સરકારી ઉચ્ચ હોદ્દાનો અધિકારી કાયદાનું પાલન ન કરે તો તેની સામે પોલીસ કમિશનર કોઈ કાર્યવાહી કરશે ખરી ω તેવી ચર્ચા શરૂ થઇ હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ ગયો હતો. અંતે કારને ખટોદરા પોલીસ સ્ટેશને લઇ જવાઇ હતી અને રૂપિયા 1500નો દંડ વસુલીને જવા દેવામાં આવી હતી.
ટ્રાફિક જામ: બીઆરટીએસ બસને 30 મિનટ પાછળ રાહ જોવી પડી
જીએસટી અધિકારી બીઆરટીએસ રૂટમાં ઘુસી જતાં લોકટોળા ત્યાં ભેગા થઇ ગયા હતાં અને હોબાળો મચાવ્યો હતો. લોકોએ આ સમયે મોબાઇલથી વીડિયો ઉતારતા અધિકારીએ હાથ બતાવીને લોકોને વીડિયો ઉતારવાની ના પાડી હતી. બીજી તરફ બીઆરટીએસ બસને પણ સ્ટેન્ડ પર 30 મિનિટ સુધી રોકાવવાની ફરજ પડી હતી.
BRTSમાં ઘૂસનાર મોહનકુમાર કોણ છે
મોહન કુમાર મીના એસજીએસટીના એડિશનલ કમિશનર છે. તેઓ તાજેતરમાં જ વીઆઇપી રોડ પર આવેલી ઓડિટ (જીએસટી)માંથી બદલી પામી ચોકબજારની મુખ્ય કચેરી ખાતે આવ્યા છે. તેઓ હાલ પ્રિવેન્ટિવમાં ફરજ બજાવી રહ્યા છે. પ્રિવેન્ટિવની ભૂમિકા વેપારીઓ પર દરોડા પાડવાની છે. તેમની ગાડી પર પ્રાઇવેટ નંબરપ્લેટ હોવા છતાં જીએસટી વિભાગનું બોર્ડ પણ મારવામાં આવ્યું હતું.
તમે સાહેબ હોય તો અમારે શું કરવાનું
એક સ્થાનિકે જીએસટીના અધિકારી પાસે જઈ દરવાજો ખોલીને વાત કરી હતી. જેમાં જીએસટીના અધિકારીએ ગલતી સે આય ગયે, એમ કહીને પોતાનો ઢાંકપિછોણો કરવાની કોશિષ કરી હતી.ઉપસ્થિત લોકોએ મોહનકુમાર મીનાએ રોકડું પરખાવી દીધું હતુ કે તમે સાહેબ હોય તો તમારા ઘરના, તમે સાહેબ હોય તો અમારે શું કરવાનું.
1500 દંડ વસૂલી છોડી મુકાયા
ગાડીને ખટોદરા પોલીસમાં લાવવામાં આવી હતી. રૂપિયા 1500 દંડ વસૂલીને છોડી મૂકવામાં આવ્યા હતા. - એલ.બી.પરમાર, ટ્રાફિક એસીપી
તત્કાલીન પીઆઇ નકુમને પણ લોકોએ ખખડાવ્યા હતા
ફેબ્રુઆરી માસમાં જહાંગીરપુરા પાસે બીઆરટીએસ રૂટમાં કાર હંકારી રહેલા તત્કાલીન ટ્રાફિક પીઆઇને સામાન્ય માણસે અટકાવ્યા હતા. શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા તત્કાલિન પીઆઇ એમ.આર.નકુમ ગત ફેબ્રુઆરી માસમાં પોતાની ખાનગી કાર લઇને જહાંગીરપુરા વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાંથી ઘુસ્યા હતા. ત્યારે બાઇક ઉપર આવેલા સામાન્ય વ્યક્તિએ તેમને અટકાવ્યા હતા. અને બીઆરટીએસમાં સામાન્ય વાહન ચાલક પસાર થાય તો તેમની પાસેથી દંડ વસુલો છો અને તમે જ કાયદો તોડા છો. એમ કહીને પીઆઇને ખખડાવ્યા હતા. આ સમયે પીઆઇ નકુમ ગણવેશમાં હતા. આ વીડીયો વાયરલ થતા પોલીસ બેડામાં ખડભળાટ મચી ગયો હતો. પોતે ઉતાવળમાં હોવાનો તેમણે ખુલાસો કર્યો હતો. ત્યારપછી તેમને વિવિધ કારણોસર સસ્પેન્ડ પણ કરાયા હતા.
No comments:
Post a Comment